સ્વના વિકાસમાં શિક્ષકની ભૂમિકા
Role of a teacher in developing the self
સદીઓથી શિક્ષણની પ્રથા અસ્તિત્વમાં છે. ગુરુઓની અસર સ્થળ - કાળની મોહતાજ નથી, એ તો મરણોત્તર ચાલતી રહે છે. ભારતવર્ષમાં એક સમયે સાચા અર્થમાં ગુરુઓનો દબદબો હતો. ભારતીય જ્ઞાન પરંપરા ગુરુ પ્રણાલિકા ઉપર આધારિત હતી અને હજી પણ છે. વશિષ્ઠ, વિશ્વામિત્ર, સાંદીપનિ, શંકરાચાર્ય, આચાર્ય રામાનુજ, રામકૃષ્ણ પરમહંસ, સમર્થ સ્વામી રામદાસ, દ્રોણાચાર્ય અને શિક્ષક કભી સાધારણ નહિ હોતા કહી ધનનંદને ધ્રુજાવતા અને ચંદ્રગુપ્તને મગધનો રાજા બનાવતા ચાણક્ય આ બધા ગુરુઓની અસર હજી પણ ભારતીય જનમાનસમાં હૃદયસ્થ છે. રાજસત્તાઓ તો અનેક આવી અને ગઈ પણ આચાર્યો, ગુરુઓ અને શિક્ષકોએ ભારતનો જે સમાજ બનાવ્યો, તે જ પરંપરાઓ આજ સુધી ચાલી રહી છે.
શિક્ષકની અસર :
શિક્ષક તેજપુંજ છે, જ્યોતિર્ધર છે. તેની અસર અમાપ છે. ભારતમાં અનેક સામ્રાજયો આવ્યાં અને ગયાં, પરંતુ ગુરુઓએ ઊભી કરેલી વૈચારિક અને સામાજિક અસરને કોઈ ટાળી શક્યું નથી. ભારતને કોઈ રાજસત્તાએ નથી ઘડ્યો, તેને અહીંના સંતો, ફકીરો અને આચાર્યોએ ઘડ્યો છે. અહીંના નાનામાં નાના માણસમાં જે મૂલ્ય પડેલાં છે તે આવા ગુરુઓની વૈચારિક અસરના લીધે છે. હિંદુસ્તાનનું ઘડતર કરી શકવાની ક્ષમતા અને સમર્થતા જો ગુરુઓમાં હોય તો તે સ્વનો વિકાસ અને તેમના શિષ્યોનું ઘડતર કરી જ શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
ભારતભૂમિ જ્ઞાનની ભૂમિ છે. વેદ અને ઉપનિષદના તત્ત્વજ્ઞાનથી પરિપ્લાવિત થયેલી આ ભૂમિનું ઘડતર જ સમર્થ ગુરુઓની અસર નીચે થયેલું છે. “ ગુરોસ્તુ મૌન વ્યાખ્યાનમ્ ” એટલે ગુરુનું મૌન પણ વ્યાખ્યાન બની જાય છે . જે ગુરુનું શાણપણ એકાંતમાં ઊગે, મૌનમાં વિકસે અને જીવનવ્યવહારમાં પ્રગટે એ જ સાચા ગુરુ કહેવાય.
A teacher affects eternity, he can never tell where his influence stops. - H. B. Adams
શિક્ષકના શિક્ષકત્વની અસર ક્યાં સુધી અને કેટલી છે, એ કહેવું મુશ્કેલ છે. "Teachers are the backbone of the society" શિક્ષકો સમાજની કરોડરજ્જુ છે. કોઈપણ સમાજ અને દેશનો વિકાસ તેની શિક્ષણવ્યવસ્થા પર અવલંબિત છે, તો પછી "સ્વ" ના વિકાસમાં ગુરુની ભૂમિકા શું, તે સમજાવાની પણ જરૂર ખરી ?
'સ્વ' ના વિકાસમાં ગુરુની ભૂમિકા :
ગુરુ કે શિક્ષક એ છે જે કોઈના પણ આત્મા (સ્વ) ને જગાડી દે, કોઈપણ વ્યક્તિને ગરિમા આપે. ગુરુનું કાર્ય જ સ્વની ભીતર જે પડ્યું છે તેને અનાવૃત્ત કરવાનું છે. શિક્ષણ ઉઘાડ (Unfolding) ની જ પ્રક્રિયા છે. ગુરુની ભૂમિકા માનવીય અસ્તિત્વની બધી પાંદડીઓ ખૂલે અને ખીલે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની છે. શિક્ષક જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેનો મધ્યસ્થી છે. ગુરુની ભૂમિકા તેનાથી વિશેષ છે. ગુરુ જૂની પેઢીના મૂલ્યોનું સંક્રમણ અને સંવર્ધન કરવાની પણ ભૂમિકા ભજવે છે. દરેક વ્યક્તિ અપાર સંભાવનાઓ સાથે જન્મે છે. મનુષ્યમાં બીજરૂપે અનંત શક્તિઓ પડેલી હોય છે. શિક્ષણનું શાશ્વત કાર્ય માણસની અંદર જે બીજરૂપે પડેલું છે એને પ્રગટ કરવાનું છે. માણસની અંદર જે બીજ છે, જે સ્વ છે તે કઈ રીતે ફૂલ બને વૃક્ષ બને તે સંભાવનાને જે જાણે તે જ સાચો શિક્ષક
શિક્ષકની મુખ્ય ભૂમિકા :
શિક્ષક કે ગુરુનું કાર્ય ઘણું જ શ્રેષ્ઠ છે. દેશની સર્વશ્રેષ્ઠ સંપત્તિરૂપ બાળકોનું ભવિષ્યઘડતર શિક્ષકોના હાથમાં છે. તેમને સંસ્કાર, વિદ્યા અને માર્ગદર્શન આપી તેમના સ્વનો સાચી દિશામાં વિકાસ કરી દેશના જવાબદાર નાગરિક બનાવવાથી મોટું કીમતી કાર્ય કે ભૂમિકા બીજી શું હોઈ શકે ? પુસ્તકિયા જ્ઞાન સિવાયની અંતઃસ્કુરણાને પ્રેરતી વાતો થકી વિદ્યાર્થીના માનસને નીતિમત્તા, ફરજ, હક, પ્રામાણિકતા, સત્યનિષ્ઠા, વચન, શિસ્ત, નિયમિતતા, જવાબદારી, વફાદારી તેમજ દેશભક્તિ જેવા ગુણોનું સિંચન કરી સ્વનો વિકાસ કેવળ શિક્ષક જ કરી શકે. શિક્ષણ દ્વારા આખા સમાજની રચના બદલી શકાય છે. જેમણે જેમણે આ કાર્ય કર્યું તે એક યા બીજી રીતે શિક્ષકો જ હતા. શિક્ષક માત્ર વર્ગખંડમાં જ ભણાવે તેવો સીમિત ખ્યાલ છોડી તેની અખિલાઈને સ્પર્શે તો જ ખ્યાલ આવશે કે, ગુરુની સ્વના વિકાસમાં શી ભૂમિકા છે ?
શિક્ષકો તો શાંતિમય ક્રાંતિના અગ્રદૂતો છે. જે તે રાષ્ટ્રમાં થયેલ ક્રાંતિના મૂળમાં કોઈ ને કોઈ શિક્ષકના વિચારોના બીજ પડ્યાં હશે. શિક્ષકનું શાશ્વત કાર્ય અને ભૂમિકા 'સ્વ'માં અભિવ્યક્તિ, સંવેદના અને શ્રદ્ધા જન્માવાનું છે. શિક્ષણ સાથે જોડાયેલા એવા આપણે સહુએ એક વાત સમજી લેવી પડશે કે, મનુષ્યમાં રહેલા મનુષ્યત્વને ઉજાગર કરી શકે એવું કોઈ માત્ર સાધન હોય તો તે શિક્ષણ જ છે. શિક્ષણ આપણને અભિવ્યક્ત થવાનું શીખવાડે છે. શિક્ષણનું સૌથી મહત્ત્વનું કાર્ય સંવેદના જગાડવાનું છે. સંવેદના મૃત: પ્રાય થતી અટકાવવાનું સામર્થ્ય એક માત્ર શિક્ષકમાં જ છે. “મારે શું અને મારું શું” ની કાળમીંઢ પાષાણ સમી માનસિકતા સ્વના વિકાસને અવરોધે છે. તેને તોડવાનું કામ એક ઋજુ અને સંવેદનશીલ શિક્ષક જ કરી શકે. જેમનો જન્મદિવસ આપણે શિક્ષકદિન તરીકે ઊજવીએ છીએ તેવા પૂર્વરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને શિક્ષકોની ભૂમિકા વિશે કહ્યું હતું કે, શિક્ષકનું એ કર્તવ્ય છે કે વિદ્યાર્થી જે ઇચ્છે તે તેને ન આપે, પરંતુ શિક્ષક પોતે જે આપવા ઇચ્છતો હોય તેની જિજ્ઞાસા વિદ્યાર્થીમાં જન્માવે. કાલ સુધી શિક્ષક કેન્દ્ર હતા અને વિદ્યાર્થી તેનું પરિઘ હતા. હવે વિદ્યાર્થી કેન્દ્ર અને શિક્ષક પરિઘ પર હશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે શિક્ષકની ભૂમિકા વિનમ્ર બનીને વિદ્યાર્થીઓના સ્વને વિકાસમાં મદદકર્તા તરીકેની થઈ રહી છે. જે દિવસ શીખવનાર વિનમ્ર થશે તે દિવસે શીખનાર પણ વિનમ્ર બનશે. ઓશો હરહંમેશ જીવંત શિક્ષકોની ખોજમાં રહેતા. તેઓ કહેતા કે જે જ્ઞાતમાંથી અજ્ઞાતમાં પ્રવેશી શકે તે જ સાચો જ્ઞાની, કોઈપણ શિક્ષકની મૌલિક અને ઊંડામાં ઊંડી ભૂમિકા છે કે જે અંદર છે તે બહાર લાવવું.
જે ગુરુ માત્ર શબ્દ - વૈભવમાં રાચે છે તે ભીતરનો આત્મા ગુમાવી દે છે. ખરેખર શાસ્ત્રના મર્મનું જ્ઞાન એ જ સાચા ગુરુનું લક્ષણ છે. ગુરુ ચારિત્ર્યની દૃષ્ટિએ શુદ્ધ હશે તો જ જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનના વિતરણ દ્વારા સ્વનો વિકાસ કરશે અને કરાવશે. કશુંક નકકર અને ગણનાપાત્ર એવું પ્રભાવક તત્ત્વ ગુરુમાંથી બહાર આવીને શિષ્યમાં પ્રવેશે છે. તેથી ગુરુ નિષ્કલંક હોય એ જરૂરી છે. શિક્ષા આપે તે શિક્ષક, દીક્ષા આપે તે ગુરુ અને પ્રેમની ભિક્ષા આપે તે સદ્દગુરુ. જેમ એક ચિત્ર દોરવું હોય તો માર્ગદર્શકની જરૂર પડે છે તો એક ચરિત્ર નિર્માણ કરવું હોય તો ગુરુ વગર એ શક્ય જ નથી. ગુરુ એ વ્યક્તિ નથી, સ્વને વિકસાવતું અસ્તિત્વ છે.